ગુજરાતી દંપતીની જર્મનીના તંત્ર પાસેથી પોતાની બાળકી પરત મેળવવાના સંઘર્ષની કહાણી

બાળક

ઇમેજ સ્રોત, Dhara Shah

  • લેેખક, લક્ષ્મી પટેલ
  • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • સપ્ટેમ્બર 2021માં જર્મન ચાઈલ્ડ લાઈન સર્વિસે આ ગુજરાતી દંપતીની બાળકી અરીહાને 'ફોસ્ટર કૅર'માં જર્મન દંપતીને સોંપી દીધી
  • બાળકીનાં મૂળ માતાપિતા આ બાળકીને ભારતમાં પરત લાવવા માટે કાયદાકીય લડાઈ લડી રહ્યાં છે
  • અરીહાનાં માતાપિતાને સપૉર્ટ માટે અમદાવાદ સહિત ગુજરાત અને દેશનાં અનેક શહેરોમાં આવી રેલીઓ નીકળી હતી અને આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં
  • હવે આ સમગ્ર મામલો કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સુધી પહોચ્યો છે પણ હજુ સુધી આ મામલે કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી
બીબીસી ગુજરાતી

અમદાવાદમાં તાજેતરમાં જ આરટીઓ સર્કલ પાસે "અરીહા બચાવો"ના નામે એક વિશાળ રેલી નીકળી હતી. અરીહા ગુજરાતી દંપતીની 22 મહિનાની બાળકી છે.

છેલ્લા 15 મહિનાથી અરીહાનાં માતાપિતા બાળકીનો કબજો મેળવવા માટે જર્મન ચાઈલ્ડ સર્વિસ સામે સંઘર્ષ કરી રહ્યાં છે. અને એ સંઘર્ષ તરફ ગુજરાત સરકાર અને ભારત સરકારનું ધ્યાન દોરવાનો આ રેલીનો ઉદ્દેશ હતો.

બાળકીનાં માતા-પિતા આ બાળકીને ભારતમાં પરત લાવવા માટે કાયદાકીય લડાઈ લડી રહ્યાં છે.

ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ‘જર્મન ચાઈલ્ડ લાઈન સર્વિસે’ આ ગુજરાતી દંપતીની બાળકી અરિહાને 'ફોસ્ટર કૅર'માં જર્મનીના દંપતીને સોંપી દીધી. અરીહાનાં માતા-પિતાના સમર્થનમાં અમદાવાદ સહિત ગુજરાત અને દેશનાં કેટલાંય શહેરોમાં આવી રેલીઓ નીકળી હતી અને આવેદનપત્રો આપવામાં આવ્યાં હતાં.

હવે આ સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે.

આ મામલે બે દિવસ માટે ભારત મુલાકાતે આવેલા જર્મન મંત્રી સાથે ચર્ચા કરાઈ છે અને તેમના રાષ્ટ્રે (જર્મની) ભારતની આ ચિંતા અંગે નોંધ લીધી છે. બીબીસીએ આ મામલે જર્મન દૂતાવાસને મેઇલ કર્યો છે, જોકે હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. જવાબ મળ્યે અહેવાલમાં ઉમેરી દેવાશે.

ગ્રે લાઇન

દંપતી પાસેથી બાળકી કેમ લઈ લેવાઈ?

સાબરમતી, અમદાવાદની અરીહા બચાવો રેલી

ઇમેજ સ્રોત, Dhara Shah

મૂળ મુંબઈના ભાવેશ શાહ અને અમદાવાદનાં ધારા શાહ લગ્ન બાદ આ વર્ષ 2018માં જર્મનીના બર્લિન શહેરમાં સ્થાઈ થયાં.

ફેબ્રુઆરી 2021માં દંપતીના ઘરે બાળકીનો જન્મ થયો અને પુત્રીનું નામ રખાયું ‘અરીહા’.

ધારા શાહ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “17 સપ્ટેમ્બર 2021ના દિવસે અરીહાના ડાયપરમાં લોહી જોવા મળતાં અમે એને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયાં. અરીહાની ચકાસણી બાદ હૉસ્પિટલના સર્જને કહ્યું હતું કે, દીકરીને કોઈ ઍક્ટિવ બ્લીડિંગ નથી અને ચિંતા કરવા જેવું તંઈ નથી. બે દિવસ બાદ ફરીથી અમે અરીહાને લઈને હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરે અરીહાને ટાંકા લેવાની ટ્રીટમેન્ટની વાત કરી" તેઓ આગળ કહે છે, "દરમિયાન હૉસ્પિટલના સત્તાવાળાઓએ બીજા જ દિવસે જર્મનીની ચાઇલ્ડ સર્વિસ અને પોલીસને જાણ કરી. પોલીસ અને ચાઈલ્ડ સર્વિસ ડિપાર્ટમૅન્ટના એક પાકિસ્તાની પંજાબી ટ્રાન્સલેટરને વચ્ચે રાખી અમારી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો."

"જર્મની ચાઇલ્ડ સર્વિસ દ્વારા અમને જણાવાયું કે અમારી દીકરી અરીહાને હૉસ્પિટલમાંથી રજા મળશે પણ એ અમને સોંપવામાં નહીં આવે. કારણ કે દીકરી ઉપર જાતીય હિંસા આચરવામાં આવી એમને ફરિયાદ મળી છે. આ પછી તેમણે અમને બાળકી સોંપી ન હતી અને હૉસ્પિટલથી બારોબાર તેને લઈ ગયા."

તેમણે વધુમાં જણાવ્યું, "આ સમગ્ર ઘટના બાદ અમારી દીકરી કોણ લઈ ગયું કે અમારી દીકરી કોની પાસે રાખવામાં આવી છે તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી."

તપાસ બાદનાં ઘટનાક્રમ અંગે વાત કરતા તેઓ કહે છે, “ચાર મહિનાની તપાસ બાદ રિપૉર્ટ નેગેટિવ આવ્યો અને સૅક્સ્યુઅલ અબ્યુઝનો કેસ બંધ કરી દેવામાં આવ્યો. તેમ છતાં જર્મનીની 'ચાઇલ્ડ સર્વિસ ઑથૉરિટી' અમને અમારું બાળક આપતી નથી."

આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે માતાપિતાનું સાયકોલૉજીકલ ઍસેસમૅન્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. એનો રિપોર્ટ આવવામાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે ત્યાં સુધી બાળકને ‘ફૉસ્ટર કૅર’માં રાખવામાં આવે છે.

ધારા શાહ જણાવે છે, "અરીહાને હાલ જર્મનીના એક પરિવાર સાથે રાખવામાં આવી છે. મારી દીકરી જર્મન ભાષા બોલી રહી છે એટલે મેં અને મારા પતિએ પણ બેઝિક જર્મન ભાષા શીખવાનું શરૂ કર્યું છે, જેથી અમે અરીહા સાથે વાત કરી શકીએ. હાલ અમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પણ કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ કરવામાં નથી આવી."

અરીહા શાહ

ભારતના વિદેશમંત્રીએ આ મામલે શું કહ્યું?

અરીહા શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ધારા શાહનાં બહેન કિંજલ શાહ અમદાવાદમાં રહે છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અરીહાને માટે અમે મુખ્ય મંત્રી તેમજ ગૃહમંત્રીને મળ્યાં હતાં અને રજૂઆત કરી હતી."

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે "અરીહાના પરિવારજનોએ રજૂઆત કરી હતી. તેમની રજૂઆત અમે વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે ફૉલોઅપ લેવામાં આવી રહ્યું છે."

આ દરમિયાન વિદેશમંત્રી એસ. જય શંકરે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આ કિસ્સા અંગે પત્રકારપરિષદમાં વાત કરી હતી.

બદલો Twitter કન્ટેન્ટ
Twitter કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Twitter દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Twitter કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

Twitter કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું હતું, “અરીહા શાહ નામની બાળકી સંબંધિત એક કિસ્સો અમારા ધ્યાને આવ્યો છે. બાળકી પોતાના ભાષાકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણમાં હોવી જોઈએ. આ તેનો અધિકાર છે.”

વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેમણે આ મુદ્દે બે દિવસ માટે ભારત મુલાકાતે આવેલા જર્મન મંત્રી સાથે પણ ચર્ચા કરાઈ હતી.  એક અહેવાલ પ્રમાણે, ભારતમાં જર્મન રાજદૂત ફિલિપ એકરમેને 30 નવેમ્બરે જણાવ્યું હતું કે તેમના રાષ્ટ્રે ભારતની આ ચિંતા અંગે નોંધ લીધી છે અને પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ છે.

આ પહેલાં વિદેશમંત્રાલયે કહ્યું હતું કે તેઓ આ બાળકીના કિસ્સામાં સપ્ટેમ્બર 2021થી જર્મન સત્તાધીશો સાથે વાટાઘાટ કરી રહ્યા છે.

ગ્રે લાઇન

શું છે સમગ્ર મામલો?

રેલી

ઇમેજ સ્રોત, Dhara Shah

ધારા શાહના જણાવ્યા અનુસાર તેઓ જૈન ધર્મ પાળતા હોવાથી અને શાકાહારી હોવાથી તેમની બાળકીને પણ જૈન પરિવાર સાથે રાખવામાં આવે તથા માંસાહાર આપવામાં ન આવે એવી માગ તેમણે કરી હતી. જોકે, ચાઇલ્ડ કૅર સર્વિસે તેમની માગ સ્વીકારી ના હોવાનો તેઓ આરોપ લગાવે છે.

ધારા શાહના જણાવ્યા અનુસાર અરીહાની સંભાળ માટે બાળકીનાં દાદા-દાદી સપ્ટેમ્બર 2021માં ભારતમાંથી જર્મની ગયાં હતાં.

એક દિવસ દાદી ‌અરીહાનું ડાયપર બદલી રહ્યાં હતાં ત્યારે તેમનાંથી અજાણતાં જ અરીહાના ગુપ્તાંગ પર ઈજા થઈ હતી. અરીહાને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ડૉક્ટરે બાળકીની સારવાર કરી રજા આપી દીધી હતી. થોડા દિવસ બાદ અરીહાને ફરીથી ડૉક્ટરને બતાવવા માટે માતા-પિતા લઈ ગયાં હતાં.

તેમના જણાવ્યા અનુસાર જર્મન ડૉક્ટરોએ અરીહાને પ્રાઇવેટ પાર્ટમાં થયેલી ઈજાને જાતીય શોષણ હોવાનું તારણ કાઢી માતા-પિતા પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો અને આ અંગેની ફરિયાદ જર્મની ચાઇલ્ડ સર્વિસને કરી હતી. જર્મન ચાઇલ્ડ સર્વિસે હૉસ્પિટલમાંથી જ અરીહાનો કબજો મેળવી લીધો હતો.

આ મામલે માતાપિતા ઉપર ક્રિમિનલ કેસ કર્યો હતો. જોકે, ક્રિમીનલ કેસમાં દંપતીનો નિર્દોષ છુટકારો થયો છે. દરમિયાન બાળકીને ફોસ્ટર કૅર માટે એક જર્મન પરિવારને સોંપી દેવામાં આવી હતી.

દંપતી બાળકીને ભારત પરત લાવવા અને તેને કોઈ ભારતીય પરિવારને સોંપવા સહિત અન્ય મુદ્દાઓને લઈને કાયદાકીય લડાઈ લડી રહ્યું છે, તેમના સમર્થનમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં રેલીઓ પણ નીકળી છે.

રેડ લાઇન
રેડ લાઇન